બોમ્બે આઇસ હલવો ઘરે બનાવવાની સરળ રીત

બોમ્બેની પ્રખ્યાત મીઠાઈ બોમ્બેનો હલવો ભાગ્યે જ કોઈને ન ભાવતો હોય, અને એમાંય દિવાળીના તહેવારમાં આ ભાવતી મીઠાઈ મળી જાય તો પછી વાત જ શુ કરવી. દરેકનો મનપસંદ આ હલવો જો તમારે ખાવો હોય તો કાં તો તમારે બોમ્બે જવું પડે કે પછી કોઇ આવતું જતું હોય તો એમની સાથે મંગાવવો પડે.

પણ જો કોઈ તમને એમ કહે કે આ હલવો તમને તમારા ઘરે જ મળી જશે તો તો તમે રાજીના રેડ થઈ જશો. આજે અમે તમારી સાથે શેર કરીશું બોમ્બેનો પ્રખ્યાત આઈસ હલવાની રેસિપી. આ હલવો બનાવવાની રીત એકદમ સહેલી જ છે અને સ્વાદમાં પણ ખૂબ જ યમી લાગશે. તો ચાલો હવે રાહ કોની જોવાની, શીખી લઈએ બોમ્બેનો આઈસ હલવો.

બોમ્બે આઈસ હલવો બનાવવા ની રીતે:

બોમ્બે આઈસ હલવો બનાવવા માટે તમારે જરૂર પડશે નીચે મુજબની સામગ્રીની:

અડધો કપ ઠંડુ દૂધ,

અડધો કપ ઘી,

અડધો કપ મેંદો,

એક કપ  ખાંડ,

પા ટીસપુન એલચી પાઉડર

પા ટીસપુન એલચીના દાણા

2થી 3 ચમચી પિસ્તાના ટુકડા

2 થી 3 ચમચી બદામના ટુકડા

8થી 10 કેસરના તાર જરાક દૂધમાં પલાળી રાખવા

હવે જાણી લઈએ બોમ્બે આઈસ હલવો બનાવવાની રીત:

એક કડાઈ લો તેમાં ઓગાડેલું ઘી, દૂધ, મેંદો અને  ખાંડ લો. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો

હવે આ હલવાને બહારના હલવા જેવો જ પીળો કલર આપવા માટે તેમાં દૂધમાં પલાળેલું કેસર સારી રીતે મિક્ષ કરી લો.

ત્યારબાદ  હલાવો બનાવવા માટે તૈયાર કરેલી સામગ્રીને ગેસ પર ધીમી આંચે મૂકીને એને સતત હલાવતા રહો. તમને જણાવી દઈએ કે આ મિશ્રમ ખાંડ છે અને ખાંડ ઓગળવાથી શરૂમાં આ મિશ્રણ ઢીલું થતું દેખાશે. આ મિશ્રણને 10 થી 15 મિનિટ સુધી સતત હલાવતા રહો.

આ મિશ્રણને સતત હલાવશો એટલે 10 થી 15 મિનિટમાં ક આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે અને તમે જે કડાઈમાં મિશ્રણને રાખ્યું છે એની સપાટી છોડવા લાગશે.

જો તમે આ મિશ્રણને થોડી ચમક આપવા માંગતા હોવ તો તમે તેમાં એકાદ ચમચી ઘી એડ કરી શકો છો

ત્યાર બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને પહેલેથી જ ગ્રીસ કરેલા બટર પેપર પર નાખી દો, આ મિશ્રણને ઝડપથી આખા પેપર પર ફેલાવી લો અને આ મિશ્રણ ગ્રીસ કરેલા વેલનની મદદથી થોડું પાતળું એવું વણી લો.

સમગ્ર મિશ્રણને સરસ રીતે વણી લીધા બાદ તેના પર એલચી પાવડર, એલચીના થોડા આખા દાણા, પિસ્તાની કતરણ અને બદામની કટરણ નાંખો.

ત્યાર બાદ એના પર ગ્રીસ કરેલા બટર પેપરનું બીજું લેયર મુકો, ફરી એકવાર મિશ્રણને હળવા હાથે વેલણની મદદથી વણી લો. આવું એટલા માટે કરવાનું છે કે જેથી બધા ડ્રાયફ્રુટ હલવા પર સારી રીતે ચોંટી જશે, એ પછી ઉપર મુકેલ બીજા બટર પેપરને એની ઉપરથી લઈ લો.

આ હલવાને બે કલાક માટે ઠંડુ થવા દો, તમે ઇચ્છો તો એને 15થી 20 મિનિટ માટે ફ્રિજમાં પણ મૂકી શકો છો.

હલવો બરાબર સેટ થઈ જાય એ પછી એના ચોરસ પીસ કટ કરી લો. તો તૈયાર છે તમારો બોમ્બેનો આઈસ હલવો

તમને જણાવી દઈએ કે તમે આ હલવાને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો

જો તમે પણ બોમ્બેનો આઈસ હલવો બનાવવાના છો તો આ વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો

જ્યારે તમે હલવો બનાવો ત્યારે હંમેશા ઓગડેલા ઘીનો જ ઉપયોગ કરો

હલવામાં આખી ખાંડનો જ ઉપયોગ કરવો, દળેલી ખાંડ ન લેવી

ઘી, લોટ અને દૂધ એકસરખી માત્રામાં જ લો

હલવાને બનાવતી વખતે ગેસની આંચ મધ્યમ કે ધીમી જ રાખો, વધુ આંચ પર હલવો નહિ સારો બને

જ્યારે તમે હલવા માટેની સામગ્રીને કડાઈમાં હલાવતા હોય ત્યારે એ જ્યાં સુધી કડાઈની સપાટી ન છોડે ત્યાં સુધી એને હલાવતા રહો

હલવો જ્યારે બટર પેપર પર પાથરો ત્યારે ઝડપ રાખો

હલવા પર ડ્રાયફ્રુટ અને એલચી નાખ્યા બાદ એના પર વેલણ ફેરવી લો જેથી એ સરખી રીતે હલવામાં બેસી જાય

તો હવે આ દિવાળીના તહેવારમાં આ બોમ્બેનો હલવો અચૂક ટ્રાય કરજો અને અમને જણાવવાનું ભૂલતા નહિ કે અમે જણાવેલી રેસિપી પ્રમાણે તમારો હલવો કેવો બન્યો…

Leave a Comment