આજકાલ વધતી જતી મોંઘવારીમાં રાંધણગેસના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, એવામાં જો તમારા ઘરમાં ગેસનો વધુ પડતો વપરાશ થતો હોય તો તમે સતત એ જ વિચારોમાં રહો કે કઈ રીતે ગેસનો વપરાશ ઓછો કરી શકાય તો એ સાવ સ્વાભાવિક વાત છે. રાંધણ ગેસનો વધારે પડતો વપરાશ તમારા મહિનાના બજેટને પણ હલાવી શકે છે.
જો તમે પણ ઈચ્છો છો કે તમે તમારા ઘરમાં એલપીજીના વધુ પડતા ઉપયોગને કાબુમાં લાવી શકો તો એના માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છે જેને અપનાવવાથી તમારો રસોઈ ગેસ તો ઓછો વપરાશે જ પણ સાથે જ તમારા પૈસાની પણ બચત થશે. તો ચાલો જાણી લઈએ રસોઈ ગેસ બચાવવાની ટિપ્સ વિશે.
રસોઈ બનાવતી વખતે એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે ગેસની જ્યોત હંમેશા મધ્યમ જ રાખો કારણ કે વધુ તેજ જ્યોતથી તમારી રસોઈ બળી જાય તેની બીક રહે છે અને બહુ ધીમી ફ્લેમથી પ્રમાણમાં વધુ ગેસનો ઉપયોગ થાય છે.
શાકને પેન કે કડાઈમાં બનાવવાને બદલે કૂકરમાં બનાવો, પ્રેશર કૂકરમાં ખાવાનું ખૂબ જ ઝડપથી બની જાય છે, જેના કારણે રસોઈ ગેસનો વપરાશ ઓછો કરી શકાય છે. તમને કદાચ ખ્યાલ હશે જ કે ઢાંકણ વગર રસોઈ ચડવા દેવામાં આવે તો તેમાં વધારે રસોઈ ગેસની જરૂર પડે છે. જો તમે ઢાંકણ ખુલ્લું રાખીને રસોઈ કરો છો તો કુકરની સરખામણીએ ત્રણ ગણો વધુ ગેસનો વપરાશ થાય છે એટલે હમેશા રસોઈ ઢાંકીને જ બનાવો
જો તમે ગેસ બચાવવા માંગો છો તો જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે સૌથી પહેલા જે વાનગી બનાવી રહ્યા છો એને લગતી બધી જ જરૂરી વસ્તુઓ તમારી સાથે રાખો. આવું કરવાથી તમારો સમય અને રસોઈ ગેસ બંનેની બચત થશે.
જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે લીધેલું પેન કે કડાઈ યોગ્ય માપનું હોય. બહુ મોટા પેન કે કડાઈમાં રસોઈ બનાવવામાં આવે તો એને ગરમ થતા ઘણી વાર લાગે છે અને એના માટે રસોઇ ગેસનો વધુ વપરાશ થાય છે. અને જો તમે પ્રમાણમાં વધુ નાના પેન કે કડાઈનો ઉપયોગ કરો છો તો એમાં તમારા ગેસની ફ્લેમ બહાર જતી રહે છે અને ગેસનો વપરાશ વધુ થાય છે..એટલે રસોઈ બનાવતી વખતે હમેશા યોગ્ય માપના જ પેન કે કડાઈનો ઉપયોગ કરો.
રસોઈ કરો ત્યારે શાકમાં જેટલું જોઈએ એટલું જ પાણી નાખો. જો વધુ પડતું પાણી નાખી દેશો તો એને રાંધવામાં ઘણો સમય લાગશે અને એ સાથે જ રસોઈ ગેસનો વધુ વપરાશ પણ થશે.
જો તમે ફ્રોઝન ફૂડનો રસોઈમાં ઉપયોગ કરવાના હોય તો એને રાંધતા પહેલા લગભગ 1 2 કલાક પહેલાં જ ફ્રીજમાંથી કાઢી લો. ફ્રિજમાં મુકેલ દૂધ અને શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા પણ એને ઉપયોગમાં લેવાના થોડા સમય પહેલા જ બહાર કાઢી લો, આવુ કરવાથી ગેસનો વપરાશ ઘટાડી શકાશે,
કઠોળ કે પછી અમુક શાકભાજી કે પછી માંસ, ચિકનને ઉકાળવામાં આવે તો એમાં વધારે ગેસનો ઉપયોગ થાય છે, એટલા માટે આવા શાકભાજી કે પછી માંસને રાંધવા માટે હંમેશા પ્રેશર કૂકરનો જ ઉપયોગ કરો. જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો પહેલા આવા શકભાજી કે માંસને એમાં રાંધી લો. માઇક્રોવેવમાં એ ગેસની સરખામણીએ ઝડપથી રંધાઈ જાય છે.
જો વારેઘડીએ ચા કે કોફી બનાવવાની થતી હોય તો તેના પાણી ઉકાળવામાં ઘણો ગેસ વપરાય જાય છે એટલે બને તો પાણીને એક જ વારમાં ગરમ કરીને થર્મોસમાં ભરી લો, આવું કરવાથી રસોઈ ગેસની બચત કરી શકાશે.
જો તમે કોઈ શેકેલી વાનગી બનાવવા માંગતા હોવ તો એને ક્યારેય ગેસ પર ન બનાવો, આવી વાનગીઓ ગેસ પર બનાવવામાં આવે તો રસોઈ ગેસનો ખૂબ જ વ્યય થાય છે.
થોડા થોડા સમય તમારું ગેસ રેગ્યુલેટર, ગેસ બર્નર અને પાઈપને ચેક કરી લો, ગેસ લીક તો નથી થતો ને એની ખાતરી કરી લો, અને જો તમારા ધ્યાનમાં આવે કે ગેસ લીક થઈ રહ્યો છે તો એને તાત્કાલિક રીપેર કરાવી લો. કારણ કે એનાથી ગેસનો વ્યય તો થાય જ છે પણ સાથે જ મોટી દુર્ઘટનાનો પણ ભય રહે છે. ગેસને સમયાંતરે સર્વિસ કરાવતા રહો.
રસોઈ ગેસનો વપરાશ કઈ રીતે ઘટાડી શકાય એ તો હવે તમે જાણી જ લીધું છે તો હવે તમે પણ આ ટિપ્સ અપનાવીને આ મોંઘવારીના જમાનામાં પોતાની કમર પરથી રસોઈ ગેસનો ખર્ચ ઘટાડી શકો છો.
અપેક્ષા રાખીએ કે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં લાભદાયી સાબિત થશે