આ રીતે હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પાણી પૂરી

પાણીપુરી એક એવી વસ્તુ છે જે નાના મોટા લગભગ દરેકને પસંદ હોય છે. ઘણા તો મોટી ઉંમરના લોકો પણ પાણીપુરીની લારી પર ખુબ આનંદથી પકોડી ખાતા હોય છે અને તેમને જોઈને ખરેખર ખુબ મજા પણ આવતી હોય છે કે વાહ ખરેખર જીવન તો આ લોકો જ જીવી જાણે છે. તમે ઘણીવાર એવા મસ્ત વિડિઓ પણ જોયા હશે જેમાં એક ગાય પણ ખુબ મજાથી પાણીપુરી ખાઈ રહી હોય છે, તો આવી જ ટેસ્ટી અને યમ્મી પાણીપુરી બનાવવા માટેની રેસિપી અમે લાવ્યા છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.

પાણીપુરીની પુરી બનાવવા માટે જરૂરી સામગ્રી 

સોજીનો લોટ – એક કપ 

તેલ – ત્રણ ચમચી (મોણ માટે)

હૂંફાળું ગરમ પાણી (જરૂર મુજબ)

પાણીપુરીની પુરી બનાવવા માટેની  રેસિપી 

1. સૌથી પહેલા લોટ બાંધવાનો છે તેની માટે એક થાળી કે વાસણમાં લોટ લઇ લો. બીજી બાજુ ગેસ પર પાણી ગરમ કરી લો. પાણી હૂંફાળું ગરમ કરવાનું છે. કે જે પાણીથી આપણે લોટ બાંધી શકીએ. 

pani-puri-recipe-in-gujarati

2. હવે થાળીમાં લીધેલ લોટમાં થોડું હૂંફાળું તેલ ગરમ કરીને ઉમેરો. તેલ અને લોટને બરાબર મસળીને મિક્સ કરી લો.  બરાબર મિક્સ થઇ જાય પછી થોડું થોડું હૂંફાળું પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ. લોટ તમારે બહુ કઠણ પણ નહિ અને બહુ ઢીલો પણ નહિ એવો બાંધવાનો છે. 

3. થોડો નરમ લોટ બાંધીને તેને બરાબર મસળવાનો છે. તેની માટે તમારે બાંધેલા લોટને પછાડી પછાડીને નરમ કરવાનો છે. લોટ એકદમ કૂણો થઇ જવો જોઈએ. આ લોટને બાંધીને મૂકી રાખવાનો નથી.  મનગમતા આકારની પૂરીઓ વણી લેવાની છે. તમે ઈચ્છો તો એક મોટી રોટલી વણીને તેમાં એક યોગ્ય માપના બીબાની મદદથી પૂરીઓ કાપી લેવી.

4. હવે પુરીઓને બહુ લાલ પણ નહિ અને બહુ સફેદ પણ નહિ એવી તળી લેવી. એકબાજુ પુરી તળાતી હોય ત્યારે ચમચાની મદદથી ગરમ તેલ તે પુરી પર નાખતા જાવ. બસ આમજ ક્રિસ્પી પૂરીઓ તૈયાર થઇ જશે.

હવે તમને જણાવી દઈએ બટાકાનો માવો બનાવવા માટેની સામગ્રી 

બટાકા – 500 ગ્રામ ધાણા – ટેસ્ટ મુજબ બાફેલા દેશી ચણા – 200 ગ્રામ (એક વાટકી ચણા પલાળશો તો 200 ગ્રામ તૈયાર થશે.)
સંચળ – સ્વાદ મુજબ મીઠું – સ્વાદ મુજબ લીંબુ

pani-poori

માવો બનાવવાની પરફેક્ટ રેસિપી 

1. બટેકાને બાફીને ઠંડા થવા દો, ઠંડા થઇ ગયેલ બટેકાને છોલીને મેશરની મદદથી કે હાથની મદદથી માવો બાનવી લો. હવે તેમાં બાફેલા દેશી ચણા ઉમેરી લો. 

2. હવે તેમાં ટેસ્ટ મુજબ સંચળ, મીઠું અને તમને જોઈએ એટલા પ્રમાણમાં તીખું કરવા ગ્રીન તીખી ચટણી ઉમેરી દો. હવે ઉપરથી લીલા ધાણા ઉમેરો. લીલા ધાણાનો ટેસ્ટ બહુ સારો લાગે છે. બધું બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે પાણીપુરી માટે બટાકાનો માવો.

પાણીપુરીનું પાણી બનાવવા માટેની રેસિપી  

                                                                              સામગ્રી

લીલા ધાણા ફુદીનો લીલા મરચા
આદુ સંચળ જીરું
મરીયા મીઠું લીંબુ
બરફના ટુકડા

પાણીપુરીનું પાણી

ઉપર આપેલ સામગ્રી જરૂર મુજબ લેવાની છે. 

1. સૌથી પહેલા મિક્ષરના કપમાં લીલા ધાણા, લીલા મરચા (વધારે તીખું જોઈએ તો સુરતી મરચી વાપરી શકો.) ફુદીનો, આદુ (આદુ તમને પસંદ હોય તો ઉમેરવું.), મરીયા, જીરું અને સાથે બરફના ત્રણ ટુકડા ઉમેરવા. (બરફના ટુકડાને ઉમેરવાથી ચટણી ગ્રીન રહેશે.)

2. હવે આ બધું બરાબર ક્રશ કરી લેવું એકદમ પેસ્ટ જેવું બનાવવાની છે. હવે રેડી થયેલ ચટણીમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ ઉમેરો. હવે તેને એક ડબ્બામાં ભરીને મૂકી દો. 

3. જયારે પણ તમારે પાણીપુરીની માટે પાણી બનાવવું હોય તો આ તૈયાર ચટણીમાંથી તમારે ત્રણ થી ચાર ચમચી ચટણી એ પાણી બનાવવા માટેના વાસણમાં લઇ લો. હવે તેમાં 1 થી દોઢ લીટર પાણી ઉમેરી દો.

4. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આપણે પહેલા જે મીઠું ઉમેર્યું હતું એ ફક્ત ચટણી માટેનું હતું એટલે હવે જે પાણી ઉમેર્યું એ ભાગનું મીઠું ઉમેરવું સાથે સંચળ ઉમેરો. એક લીંબુનો રસ તેમાં ઉમેરો.

5. હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવું. પછી એકવાર ચાખી લેવું જો તમને વધારે તીખું જોઈએ તો આપણે બનાવેલ ગ્રીન ચટણી ઉમેરી શકો છો. આ જ ચટણી બટાકાના માવામાં ઉમેરજો મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે.

બસ તો તૈયાર છે તમારી મારી અને આપણા બધાની મનપસંદ એવી પાણી પુરી.મિત્રો જો તમને અમારી આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો..

Leave a Comment