આજના હાર્ડ એન્ડ ફાસ્ટ જીવનમાં લોકોની ખાણીપીણીની આદતો પણ હાર્ડ એન્ડ ફાસ્ટ બનતી જાય છે. પિઝા, બર્ગર જેવા જંક ફૂડ આજના યુવાનો હોંશે હોંશે ખાઈ તો લે છે પણ પછી એની સીધી અસર તેમના સ્વાસ્થ્યની સાથે સાથે તેમના ચહેરા પર પણ દેખાવા લાગે છે. વધુ પડતા તીખા અને તેલવાળા બહારના આહારને લીધે આજની યુવા પેઢીમાં ખીલની સમસ્યા ખૂબ જ સામાન્ય બનતી જાય છે. આ ખીલ અને એના પડેલા કાળા ડાઘ સુંદરતામાં ઉણપ ઉભી કરી દે છે.
ઘણીવાર યુવાનો ખીલના કારણે લઘુતાગ્રંથિ પણ અનુભવવા લાગે છે જેને પરિણામે એમનામાં આત્મવિશ્વાસનો અભાવ ઉદભવે છે. જ્યારે ચહેરા પર ખીલ થાય છે ત્યારે લોકો ગમે તેમ કરીને એનાથી જેમ બને એમ જલ્દી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરવામાં લાગી જાય છે. જાણતા હોય એ બધા નુસખાઓ અપનાવી જુએ છે ક્યારેક એ અસરકારક સાબિત થાય છે તો ક્યારેક એની અવળી અસર પણ થાય છે. એટલે જ આજે અમે તમને ખીલથી છુટકારો મેળવવાના કેટલાક અસર કારક ઉપાયો વિશે જણાવીશું જેને અપનાવીને તમે ખીલથી છુટકારો મેળવીને સુંદરતા પાછી મેળવી શકો છો
બરફના ટુકડા
તમારા ચહેરા પર બરફના ટુકડા ઘસવાથી ચહેરા પરની ડેડ સ્કિન નાશ પામે છે અને ખીલ થાય એવા બેક્ટેરિયા પણ મરી જાય છે. એક ચોખ્ખા કપડામાં બરફના થોડા ટુકડા લો અને એને ખીલ થયા હોય ત્યાં શેક કરો. દિવસમાં થોડી થોડી વારે આમ કરવાથી ખીલથી છુટકારો મળે છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ ખીલથી છુટકારો મેળવવામાં ખૂબ જ અકસીર સાબિત થાય છે. અડધી ચમચી પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખીને આ પેસ્ટને ખીલ પર લગાવો, આ પેસ્ટને પાંચ મિનિટ સુધી ચહેરા પર રાખી બાદમાં ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો
કાચું દૂધ
કાચા દૂધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, ઠંડા કાચ દૂધને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને ધોઈ લો. તમે આ ઉપાય સપ્તાહમાં ત્રણ- ચાર કરી શકો છો
ચારોળી
રોજ રાત્રે ચારોળીને દૂધમાં ઘસીને એનો લેપ ચહેરા પર લગાવો, આખી રાત આ લેપ ચહેરા પર રહેવા દઈ સવારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. આ ઉપાય ખીલને જડમૂળમાંથી મટાડે છે
કાચું પપૈયુ
કાચા પપૈયાને કાપતી વખતે એમાંથી જે દૂધ નીકળે છે તેને ચહેરા પર રોજ જ લગાવવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે.
મૂળા
ચહેરા પર મૂળાનો રસ લગાવવાથી પણ ખીલ જડમૂળમાંથી મટી જાય છે.
નાગરવેલનાં પાન
નાગરવેલનાં પાનને 5 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે તેમજ ખીલના કારણે આવેલો સોજો પણ મટે છે
ચણાનો લોટ
અડધી ચમચી ચણાના લોટમાં એક ચમચી એલોવેરા જેલ અને થોડી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો અને એને ખીલ પર લગાવો. આ પ્રયોગથી ધીમે ધીમે ખીલ મટવા લાગશે
જાયફળ
જાયફળને દૂધમાં ઘસીને એની બનેલી પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે.
છાશ
છાશ વડે મોઢું ધોવાથી મોઢા પરની કાળાશ ઉપરાંત ખીલ પણ મટે છે
ટામેટા
પાક્કા ટામેટાને ખીલ પર ધીમે ધીમે રગડવાથી ખીલથી છુટકારો મેળવવામાં ફાયદો થાય છે.
ટૂથપેસ્ટ
ખીલ થયો હોય એ ભાગમાં રાત્રે ટૂથપેસ્ટ લગાવી દો, સવારે ભીના કપડાં વડે લૂછી નાખો, બે ત્રણ દિવસ આ પ્રયોગ કરવાથી તમે ખીલમાંથી છુટકારો મેળવી શકો છો
ખીલથી છુટકારો મેળવવાના ઉપરોક્ત પ્રયોગ ઉપરાંત પણ અમુક બાબતોની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી તમે ખીલથી હમેશા માટે છુટકારો મેળવી શકો
ખીલને દબાવવા કે ફોડવા નહિ, આ ઉપરાંત તેને નખથી ખોતરવા નહિ, એનાથી ચેપ લાગવાનો ડર રહે છે અને ખીલ આખા ચહેરા પર ફેલાય છે.
– ખીલ થવાનું એક કારણ સ્ટ્રેસ પણ છે એટલે બને ત્યાં સુધી તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો
– જેમ બને એમ વધુ પાણી પીવો, દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ
– ખીલ થયા હોય ત્યારે ચહેરા પર લોશન કે ક્રીમ જેવા ચીકણા પ્રોડક્ટ્સ લગાવવાનું ટાળો.
– વારંવાર ચહેરાને ચોખ્ખા પાણીથી ઘસીને ધુઓ
– ગરમ પાણીમાં હળદર નાખીને એની સ્ટીમ લેવાથી ચહેરા પરના રોમછિદ્રો ખુલી જાય છે અને એમાં રહેલો મેલ પણ નીકળી જાય છે અને ખીલ થતા નથી
– ડાયટનું ખાસ ધ્યાન રાખો, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળોનો સમાવેશ કરો
– તડકા અને ધૂળથી તમારા ચહેરાને બચાવો, બહાર જાઓ ત્યારે ચહેરાને ઓઢણીથી કવર કરો.
તો હવે જો ક્યારેય તમારા ચહેરાની સુંદરતાને ખીલ બગાડવાનો પ્રયત્ન કરે તો આ નુસખાઓ ચોક્કસ અપનાવી જોજો, આ નુસખાઓ ચોક્કસથી અસરકારક સાબિત થશે.