દિવાળી પર બનાવો પાણીના ખુબ જ આકર્ષિત દીવડા જાણો

દિવાળી નો તહેવાર હવે થોડા જ દિવસમાં આવી રહ્યો છે, અને આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, દિવાઓનો તહેવાર. દિવાળીના દિવસે દરેકેદરેક ઘરમાં લોકો માટીના કોડિયામાં દીવો કરી એને પોતાના આંગણે અને ઘરમાં મુક્ત હોય છે, કેટલાક રંગબેરંગી મીણબત્તીનો પણ ઉપયોગ કરતા હોય છે. હવે તો માર્કેટમાં જાત જાતના ને ભાત ભાતના ડેકોરેટિવ દીવાઓ મળી રહે છે. જુદા જુદા રંગ અને આકારના દીવડાઓ તમે માર્કેટમાંથી ખરીદતા જ હશો પણ આજે અમે તમને એક સરસ મજાના દિવા બનાવતા શીખવીશું જે તમારા ઘરની શોભા તો વધારશે જ પણ સાથે સાથે તમારા ઘરે આવનાર મહેમાનનું ધ્યાન પણ આકર્ષશે. અને એ મહેમાન તમારા વખાણ કર્યા વગર નહિ રહી શકે..

તમને જાણીને નવાઈ લાગશે પણ આ દિવામાં તેલ ઓછું અને પાણી વધારે જોઈશે. અને આ માટે તમારે બજારમાંથી કઈ લાવવાની જરૂર નથી કારણ કે બધી જ વસ્તુ ઘરમાં જ મળી રહેશે. તો ચાલો હવે જાણી લઈએ આ આકર્ષક દિવા કઈ રીતે બનાવીશું.

દિવા બનાવવા માટે જોઈતી સામગ્રી
પાણી
તેલ
કાચનો ગ્લાસ
પ્લાસ્ટિક પેપર
રૂની લાંબી વાટ
દિવાને શણગારવા માટેની સામગ્રી

રીત-

એક કાચનો ગ્લાસ લો અને આ ગ્લાસને પોણા ભાગ જેટલો પાણીથી ભરી દો.હવે આ ગ્લાસમાં તમારે તેલ નાખવાનું છે. ધ્યાન રાખો કે તેલ એટલું જ નાખવાનું છે કે જેથી પાણીની ઉપર તેલની સપાટી થઈ જાય. જેટલું તેલ વધુ નાખશો દીવો એટલો જ વધુ સમય સુધી ટકશે. હવે એ બાદ તમારે એક પ્લાસ્ટિકની કોથળી લેવી અને તેને ગ્લાસની સાઈઝથી જરા નાની ગોળાકાર કાપી લો.

દિવાળી

ગોળાકાર કાપ્યા બાદ એની વચ્ચે એક નાનું કાણું કરી લો. કાણું એટલું પાડવું કે જેમાંથી રૂની વાટ પસાર થઈ શકે. હવે આ કાણામાંથી રૂની વાટને પસાર કરી ને અડધી બહાર રહે તે રીતે રાખો. હવે પ્લાસ્ટિકની કોથલીની નીચેની તરફના વાટના ભાગને તમારે વાળી લેવાનો છે. જો આ વાટ ગોળાકારની બહાર જતી હોય તો એને જરાક કાપી લેવાની છે તો જ એ ઉપરની તરફ સીધી રહેશે.

હવે એને ગ્લાસમાં મૂકી દો અને આ દિવાને સળગાવી દો. તૈયારી છે તમારો પાણીમાં ચાલતો દીવો..

આ તો થઈ દીવો બનાવવાની વાત, હવે જાણીએ કે તમે આ દિવામાં વધુ ક્રિએટિવિટી કઈ રીતે લાવી શકો
તમે આ દિવાને બનાવવા માટે ઉપયોગમાં લીધેલા પાણીમાં કલર નાખીને એને રંગબેરંગી બનાવી શકો છો. તમે આ પાણીમાં થોડી ધૂળ અને પથ્થર નાખીને એમાં એક નાનું ગુલાબ ખોસીને એને વધુ સરસ લુક આપી શકો છો.

આ સિવાય તમે આ પાણીમાં ક્રિસ્ટલ બોલ નાખીને એમાં થોડો કેસરી અને લાલ રંગ ઉમેરીને આ દિવાઓને એકદમ આકર્ષક લુક આપી શકો છો. આવું કરવાથી જ્યારે તમે દીવો સળગાવશો તો આગનો ગોળો સળગતો હોય એવો લુક આવશે. આ ઉપરાંત તમે પાણીમાં કલરફુલ બોલ્સ નાખીને પણ તમે એને એટ્રેકટિવ બનાવી શકો છો.
આ દિવાઓને તમે તમારા ઘરના આંગણામાં તેમજ ઘરની અંદર પણ રાખી શકો છો. આ દીવાઓ દિવાળીમાં તમારા ઘરને વધુ સુંદર લુક આપશે. અને તમારા ઘરે આવનાર મહેમાનોનું ધ્યાન ખેંચ્યા વગર નહિ જ રહે. આ દીવાઓ તમારી આ વખતની દિવાળીને વધુ કલરફુલ અને પ્રકાશમય બનાવી દેશે

તો હવે તમે પણ આ દિવાળીએ આ પાણી વાળા દીવડાઓ અચુકથી બનાવજો અને એ બાદ તમારું ઘર કેવું આકર્ષિત લાગે છે એ અમને જણાવવાનું ચુકતા નહિ. તમારો અભિપ્રાય ચોક્કસથી આપજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment