મોહનથાળ બનાવવા માટેની સરળ રેસિપી તમને ક્યાંય નહિ મળે જાણો રીત

કેમ છો આજે અમે તમારી માટે લાવ્યા છે દરેક ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ મોહનથાળ. જોયું નામ સાથે જ મોઢામાં પાણી આવી ગયુંને? બસ તો અમારી આ રેસિપી ફોલો કરીને તમે તમારા રસોડે જ બનાવી શકશો આ રસદાર મોહનથાળ.

સૌથી પહેલા જાણી લો મોહનથાળ બનાવવા માટેની સૌથી જરૂરી સામગ્રીઓ.

જરૂરી સામગ્રીઓ.

ચણાનો લોટ – 800 ગ્રામ

ઘી બે ચમચી અને દૂધ બે ચમચી – ધાબો આપવા માટે 

ઘરની મલાઈ જે આપણે દૂધ ગરમ કરીને કાઢીએ છે એ – દોઢ કપ

ઘી – 200 ગ્રામ 

સાકર – અઢી કપ 

કેસરના તાંતણા – 20 તાર 

કાજુ બદામ ચારોળી – મનપસંદ મોહનથાળ પર સજાવવા માટે 

મોહનથાળ બનાવવા રીત

1. બે ચમચી ઘી અને બે ચમચી દૂધમાં ઉમેરીને ગેસ પર ગરમ કરો. ઘી ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો અને બધું બરાબર મિક્સ થઇ જવું જોઈએ.

2. હવે થોડું હૂંફાળું થાય એટલે ચણાના લોટમાં ઉમેરો. આ બધું લોટમાં બરાબર મિક્સ કરી લેવાનું પછી પછી થાળી કે પછી કોઈ કથરોટમાં એકબાજુ બરાબર થપથપાવીને ભેગું કરી લેવું. આ પ્રોસેસને ધાબો દીધો કહેવાય. આ જેમ છે એમ અડધો કલાક રહેવા દેવાનું છે.

3. હવે અડધા કલાક પછી એ લોટ અને ઘી દૂધના મિશ્રણ વાળા લોટને ચારણીની મદદથી ચાળી લો. ઘઉંનો લોટ ચાળવાની ચારણીનો ઉપયોગ કરવો.

4. હવે મોહનથાળ બનાવવા માટેની શરૂઆત કરીશું. તેન માટે તમારે એક વાસણમાં મલાઈ ગરમ કરવા મુકવાની છે. જો તમે માવાનો ઉપયોગ કરવાના હોવ તો માવાને ગરમ કરવા મુકવો. હવે તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી ગરમ કરો.

5. હવે એક તાંસળામાં ઘી ગરમ કરવા મુકો. જેટલું ઘી માપમાં લીધું છે એમાંથી એક ચમચી ઘી રહેવા દેજો અને બાકીનું ઘી ગરમ કરવા મુકજો.

6. હવે ઘી ઓગળે એટલે તેમાં તમારે ચાળીને રાખેલ લોટ ઉમેરો. લોટ ઉમેરીને ધીમે ધીમે તવેથાથી હલાવતા રહો.

7. બરાબર બધું મિક્સ થાય એટલે બાકીનું જે રાખેલું છે એ ઘી પણ તેમાં ઉમેરો. બરાબર મિક્સ કરો ને ધીરે ધીરે તેને મિક્સ કરતા રહો. 

8. થોડીવારમાં જ તે લોટ હલકો હલકો ફરવા લાગશે અને લોટ શેકાઈ જાય એટલે જે સુગંધ આવશે એવી સુગંધ પણ આવશે. સુગંધ આવે એટલે સમજો કે લોટ બરાબર શેકાઈ ગયો છે.

9. હવે તેમાં આપણે અલગ ગરમ કરી રાખેલી મલાઈ કે માવો તેમાં ઉમેરો.

10. હવે બધું બરાબર મિક્સ થઇ જાય એટલે તે મિશ્રણ ગેસ પરથી નીચે ઉતારી લો. તમે ઈચ્છો તો તેને અલગ વાસણમાં કાઢી શકો.

11. હવે આપણે ચાસણી બનાવીશું. તેના માટે એક વાસણમાં સાકર લો, હવે સાકર ડૂબે એટલું પાણી ઉમેરો. આ સાથે જ તેમાં કેસર પણ ઉમેરી દો. હવે પહેલા ધીમા ગેસ પર ચાસણી બનાવવાની છે, થોડું ઉકળે એટલે ગેસ ફાસ્ટ કરીને ચાસણીને ઉકાળો. 

12. ચાસણી ચીકણી થવા લાગે એટલે ગેસ ફરીથી ધીમો કરી દો. હવે આ ચાસણી તમારે એક તારની કરવાની છે. એક તારની ચાસણી થાય એટલે તેમાં લોટનું અલગ કરેલ મિશ્રણ ઉમેરી દો.

13. હવે તેમાંથી  બધું બરાબર મિક્સ કરી લો. જો તમને ઈલાયચી ફ્લેવર પસંદ છે તો તમે આ સમયે ઈલાયચી પાવડર ઉમેરી શકો છો. હવે 30 સેકન્ડ જેટલું બરાબર મિક્સ કરો અને તે વાસણને તરત જ ગેસ પરથી નીચે મૂકી દો. 

14. હવે એ મિશ્રણને પહેલાથી જ ઘી લગાડેલ થાળીમાં કે ચાકીમાં પાથરી દો. થોડું સાવધાની પૂર્વક કરવું કેમ કે તે મિશ્રણ ખુબ જ ગરમ હશે. હવે તેને તાવેથાથી બરાબર પાથરી દો. આની પર તમને જે પસંદ હોય એ દ્રાયફ્રૂટની કતરણ તેની પર પાથરો. ચારોળી ખાસ ઉમેરજો તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.

15. હવે થોડો ઠંડો થાય એટલે તેને કટ કરી લો. ચોરસ ટુકડામાં કટ કરી લો અને પછી ડબ્બામાં ભરીને આનંદથી ખાઈ શકશો.

આવી રીતે તમે રીત મોહનથાળ ત્યાર કરી શકો તમને આ રેસિપી કિવી લાગે તે કોમેન્ટ માં જાણવો અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરો આ રેસિપી….

Leave a Comment