ગણપતિ બાપાને ઘરે લાવ્યા જ હશો અને દરરોજ અવનવી પ્રસાદી પણ ધરાવવાના જ હશો તો પછી બાપાના પ્રિય એવા લાડવા કેવી રીતે ભૂલી શકીએ? તો અમારી આ સરળ રીતે તમે એકવાર જરૂર બનાવજો.
ચુરમાના લાડુ બનાવવા માટેની જરૂરી સામગ્રી
ઘઉંનો કકરો લોટ – 500 ગ્રામ
ઘી – અડધો કપ
હૂંફાળું ગરમ પાણી – પોણો કપ
ઘી અથવા તેલ તળવા માટે – જરૂરિયાત મુજબ
ઈલાયચી / જાયફળ – અડધી ચમચી જે પણ ફ્લેવર પસંદ હોય
ગોળ – 250 ગ્રામ
ડ્રાયફ્રુટ અથવા ખસખસ – ગાર્નિશ કરવા માટે જરૂર મુજબ
ચુરમાના લાડુ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રીત
સૌથી પહેલા ઘઉંનો કકરો લોટ અને ઘીને એક પહોળા વાસણમાં મિક્સ કરો. બે હાથની હથેળીથી મસળી મસળીને બધું બરાબર મિક્સ કરી લો. લોટ અને ઘી બરાબર મિક્સ કરી લેવો. હાથમાં મુઠ્ઠી બાંધીને ચેક કરી શકો જો મુઠ્ઠી બરાબર બંધાય એટલે સમજો કે બરાબર મોણ અપાઈ ગયું છે. હવે એ ઘી અને લોટ બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં હાથ અડાડી શકીએ એવું હૂંફાળું ગરમ પાણી ઉમેરો. પાણી થોડું થોડું જરૂરિયાત મુજબ ઉમેરવું. અને બહુ નરમ નહિ અને બહુ જ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લો. લોટ કઠણ હોય એવો જ રાખવો કેમ કે મસળીશું તો તે થોડો નરમ બનશે.
હવે લોટને બરાબર મસળી લો. મસળેલા લોટ પર થોડું ભીનું કપડું ઢાંકી દો અને તેને 15 મિનિટ માટે અલગ મૂકી દો. હવે એક કઢાઈમાં તળવા માટે તેલ કે પછી ઘી ગરમ કરવા મુકો. જો તમે ઓછા તેલ કે ઘીમાં તળવા માંગો છો તો આપણે કટલેસ શેકીએ એવી રીતે શેલો ફ્રાય પણ કરી શકશો. હવે બાંધેલા લોટમાંથી મુઠીમાં સમાય એવા મુઠીયા વાળી લો અને ધીમે ધીમે ગરમ થયેલ ઘી કે તેલમાં મૂકીને તળી લો. ગેસ ધીમો રાખીને જ તળવાના છે. બહારથી થોડા ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે સમજો કે લાડુ બનાવવા માટેના મુઠીયા તૈયાર થઇ ગયા છે.
હવે તૈયાર થયેલ મુઠીયાને એકદમ ઠંડા થઇ જવા દો. ઠંડા થઇ જાય પછી એ મુઠીયાનો ભૂકો કરવાનો છે. ભૂકો કરવા માટેની અલગ અલગ રીત નીચે મુજબ છે.
– તમે તેને દસ્તા અને ખાયણીની મદદથી પણ કરી શકો.
– તમે તે મુઠીયાના નાના નાના ટુકડા કરીને મિક્ષરમાં પણ ક્રશ કરી શકો.
– ઘઉં કે ચોખા ચાળવાના ચાયણામાં એ મુઠીયા ઘસી ઘસીને પણ તમે આ ભૂકો તૈયાર કરી શકો છો.
સૌથી બેસ્ટ રીત છે ચાળણાવાળી પણ જો તમને મહેનત વધુ લગતી હોય તો તમે મિક્ષર પણ વાપરી શકો.
હવે આ તૈયાર થયેલ ચુરમુ જો એક સરખું ના હોય તો ચારણીથી ચાળી લેવું. હવે ચાળેલ ચુરમામાં આ સમયે તમને જે ફ્લેવર પસંદ હોય એ ઉમેરી શકો છો. જેમકે જાયફળ પસંદ હોય તો જાયફળ છીણી લેવું અને જો ઈલાયચી પસંદ હોય તો ઈલાયચી પાવડર ઉમેરી શકો ચો. બંને પસંદ હોય તો બંને ઉમેરો.
હવે તળવા માટે ગરમ કરેલ વાસણમાં જ થોડું ઘી રહેવા દઈ બાકીનું વધારાનું ઘી કાઢી લો. હવે તે ઘી ગરમ કરો અને તેમાં ગોળ જીણો જીણો કરીને ઉમેરો જેથી જલ્દી ઓગળી જાય. ગોળને એકદમ ઓગળી જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. વધારે ગરમ થઇ જશે તો લાડવા બરાબર બનશે નહિ. એકવાર બધો ગોળ બરાબર ઓગળી જાય એટલે તેમાં થોડા છાંટા પાણીના છાંટો.
હવે ગરમ થયેલ ગોળ અને ઘીને ત=ચાળીને તૈયાર કરેલ ચુરમામાં ઉમેરો.હવે આ બધું બરાબર મિક્સ કરી લો. ગરમ હશે એટલે પહેલા ચમચાની મદદથી મિક્સ કરો અને નવશેકું ગરમ રહે ત્યારે તમને ગમે એ સાઈઝ અને એ શેપના લાડુ બનાવી લો.
તો હવે તૈયાર થયેલ લાડુને તમે ખસખસ કે ડ્રાયફ્રુટમાં રગદોળીને સજાવી શકો છો.લાડુ બનાવવા માટેની આ સૌથી સરળ અને પરફેક્ટ રીત છે. એકવાર જરૂર ટ્રાય કરજો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે..