કોઈ પણને ઘરમાં જયારે ઉધરસ થાય, તાવ જેવું લાગે, ઠંડી લાગે કે શરદી જેવું લાગે કે તરત જ આપણા ઘરના અનુભવી એવા મમ્મી, દાદી અને નાની તરત સલાહ આપે કે ભાઈ તું હળદરવાળું દૂધ પીવાનું રાખ તો તારું આ દુઃખ દૂર થઇ જશે. હવે આપણે રહ્યા પાછા બહુ આજ્ઞાકારીને કે દાદી કે મમ્મી હળદર વાળું દૂધ બનાવી આપે કે એક બે દિવસ પીઈએ પણ ખરા. પણ એ ફક્ત બે દિવસ પછી તો જેવું આપણી તકલીફમાં રાહત થાય કે વ્યક્તિ શેઠની શિખામણ ઝાંપા સુધી એમ કરીને હળદરવાળું દૂધ પીવાનું છોડી દઈએ.
આપણા વડીલો અને અનુભવી લોકો આપણા માટે જે વિચારે એ સારું જ વિચારે એવું હંમેશા ધ્યાનમાં રાખો. વાતો તમે માનતા થશો ત્યારે તમારા લાઈફની અડધી મુશ્કેલીઓ તો આરામથી દૂર થઇ જશે. આજે અમે તમારી માટે આ ખાસ માહિતી લાવ્યા છીએ જેમાં અમે તમને જણાવીશું કે હળદરવાળું દૂધ આપણને ઘણી તકલીફમાં રાહત આપે છે. પણ કોઈપણ વસ્તુ હોય તેની બંને બાજુ આપણને ખબર હોવી જોઈએ. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા આપણે તેના બંને પાસા પોઝિટિવ અને નેગેટિવ એટલે કે તેના ફાયદા તો ખબર હોવા જ જોઈએ સાથે સાથે એ વસ્તુથી થવા વાળું નુકશાન પણ તમને ખબર હોવી જ જોઈએ.
હળદરવાળું દૂધ એ જેટલું ફાયદાકારક છે એટલું જ અમુક ખાસ લોકો માટે નુકશાનકારક પણ છે. તો ચાલો તમને જણાવી દઈએ એવા અમુક લોકો વિષે જેમણે હળદરવાળા દૂધનું સેવન બહુ સમજી વિચારીને કરવું જોઈએ. હવે તમે કહેશો કે દૂધ કોઈને કેવીરીતે નુકશાન પહોંચાડી શકે? અને એમાં પણ હળદરવાળા દૂધથી કોઈને શું તકલીફ થઇ શકે. તો તમને જણાવી દઈએ એવું નથી હોતું જેમ દરેક વ્યક્તિના બે ચહેરા હોય છે એવી જ રીતે દરેક ખાદ્યપદાર્થની પણ બે બાજુ હોય છે.
હળદરવાળા દૂધના આપણે પહેલા થોડા બેઝિક ફાયદા જોઈએ પછી તમને જણાવીશું કે કોણે આ દૂધનું સેવન ના કરવું જોઈએ. ચાલો પહેલા તેના થોડા ફાયદા જોઈ લઈએ.
હળદરવાળું દૂધ પીવાના ફાયદા
1.હળદર એ આપણા રસોડાના મસાલા ડબ્બામાં મળી રહેતો એક બહુ જ સામાન્ય મસાલો છે. સૌથી પહેલા આપણે બધા જાણીએ છીએ એમ હળદરવાળું દૂધ એ શરદી અને ઉધરસ થયેલ લોકો માટે બહુ ફાયદાકારક હોય છે. હળદરમાં રહેલ એન્ટીબાયોટિક્સ એ શરીરને શરદી અને ઉધરસને વધારવા વાળા સૂક્ષ્મજીવાણુ સામે લડવામાં મદદ કરે છે.
2.હવે જે ફાયદો અમે તમને જણાવવાના છીએ એ જાણીને તમે ખુશ જરૂર થઇ જશો. હા હળદરવાળું દૂધ પીવાથી તમે તમારું વજન ઘટાડી શકો છો. હા હળદરવાળા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેમાં રહેલ મિનરલ્સ એ વજન ઘટાડવા માટે ખુબ મદદરૂપ થાય છે એટલે જયારે તમે કોઈ ડાયટ ફોલો કરો છો તો તમારે તમારી ડાયટમાં હળદરવાળું દૂધ પણ સામેલ કરવું જોઈએ.
3.આ ફાયદો જે છે એ મહિલાઓને બહુ કામનો છે લગભગ દરેક વ્યક્તિ જાણે જ છે કે મહિલાઓને દર મહિને પીરીયર્ડ્સ આવતા હોય છે અને એ સમય દરમિયાન તેઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં માથાનો દુખાવો, પેટમાં દુખાવો, કમરનો દુખાવો અને બીજી અનેક સમસ્યાઓ થતી હોય છે આ બધી સમસ્યાઓ એક યુવતી જ સમજી શકશે. પણ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન મહિલાઓએ ખાસ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તેઓને ઘણી રાહત રહેશે.
4.બધી સમસ્યાનું મૂળ તમારા પેટ સાથે જોડાયેલ છે. જો તમારું પેટ સ્વસ્થ અને સારું હશે તો તમારી મોટાભાગની સમસ્યા બહુ સરળતાથી પુરી થઇ જશે. જે પણ મિત્રોને સતત કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે નિયમિત એક દિવસ છોડીને એક દિવસ હૂંફાળા હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.
5.ખાસ જણાવીએ કે જો તમે બાળકોને નિયમિત હળદરવાળું દૂધ આપશો તો તેમનો વિકાસ તો સારો થશે જ સાથે સાથે જો તેમને શરદીનો કોઠો હશે તો બહુ ફાયદાકારક રહેશે. બાળકો માટે હળદરવાળું દૂધ બનાવો તો તેમાં હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખવું.
ચાલો હવે તમને જણાવી દઈએ કે એવા કયા લોકો છે જેમણે હળદરવાળા દૂધનું સેવન ના કરવું જોઈએ. તેનાથી તેઓને નુકશાન થઇ શકે છે.
હળદરવાળું દૂધ પીવાના ગેરફાયદા
1.હળદરવાળા દૂધનું સેવન લીવરની તકલીફ હોય એ લોકોએ ખાસ ના કરવું જોઈએ. જો તમને લીવરની કોઈ સમસ્યા છે અને તમને શરદી કે ઉધરસ એવી કોઈ તકલીફ છે તો એમાં હળદરવાળું દૂધ પીવું જોઈએ નહિ. આમ કરવાથી તમારી લીવરની સમસ્યા વધી શકે છે. શરદી અને ઉધરસ જેવી સમસ્યાનું સમાધાન કરવા તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો. બાકી હળદરવાળું દૂધ પીવું એ સલાહભર્યું નથી.
2.હળદરની તાસીર થોડી ગરમ હોય છે અને એટલે જ એ ઠંડી, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. પણ ગર્ભવતી મહિલાએ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહિ. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને અંદરથી ઠંડક મળે એ બહુ મહત્વનું છે. એટલે તમારે ગરમ પડે એવું આ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહિ.
3.આજે નિઃસંતાનપણુ પણ એક બહુ મોટી સમસ્યા છે એના વિષે પણ અમે તમને ખાસ અને યોગ્ય માહિતી આપીશું. અમારા પેજ સાથે જોડાયેલ રહેજો. જેમ ગર્ભાવસ્થામાં પણ ઠંડકની જરૂરત હોય એમ જો તમે બાળક લાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે પણ શરીરને ઠંડક મળી રહે એવું કાર્ય કરવું જોઈએ. એટલે એ લોકો જે બાળક પ્લાન કરે છે તેમણે પણ હળદર વાળું દૂધ પીવું જોઈએ નહિ.
4.ઘણા લોકોને આજકાલ ઘણી એલર્જી હોય છે જો તમને પણ કોઈ ગરમ વસ્તુઓની કે પછી અમુક ખાસ મસાલાની એલર્જી છે તો તમારે હળદરવાળા દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. આમ કરવાથી બની શકે તમારી એલર્જી થોડી વધી જાય અને તમારી સમસ્યા ઘટવાની જગ્યાએ વધી જાય.
તો આ હતી એ ખાસ વિગતો જે હળદરવાળું દૂધ પીતા દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જે તમને કે બીજાને વારંવાર હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતું હોય તેઓને આ માહિતી જરૂર મોકલજો.