ચાલો જાણીએ એકદમ લાજવાબ દૂધીનાં પરોઠાની રેસીપી

દૂધી એક એવું શાક છે જે મોટાભાગના લોકોને ભાવતું નથી હોતું, જો ઘરમાં ક્યારેક દૂધીનું શાક બનાવવામાં આવે તો આવા લોકો ચોક્કસ મોઢું બગાડે છે. આજકાલની જનરેશનને શાક રોટલી કરતા ભાત ભાતના પકવાન ખાવામાં વધુ રસ હોય છે, એવામાં સ્ત્રીઓ માટે એ ખૂબ જ ચેલેન્જિંગ થઈ પડે છે કે કઈ રીતે તે તેમના પરિવારને હેલ્થી ભોજન આપી શકે. પણ હવે તમારા પરિવારને દૂધીનું ટિપિકલ શાક બનાવીને ખવડાવવા કરતા દૂધીનાં પરોઠા બનાવીને ખવડાવી જોજો, આંગળા ચાટતા રહી જશે.

હવે તમને વિચાર આવશે કે આ દૂધીના પરોઠા કઈ રીતે બનાવવા , તમે બટાકા, કોબી, મૂળા અને પાલક, પનીર જેવી વસ્તુઓના પરોઠા તો બનાવ્યા જ હશે પણ આજે અમે તમને જણાવીશું દૂધીનાં પરોઠા બનાવવાની એકદમ સરળ રેસિપી. એમાંય જ દૂધીનું શાક ખાઈ ખાઈને કંટાળી ગયેલા લોકોને આ દૂધીનાં પરોઠા એકવાર તો ચોક્કસ ટેસ્ટ કરવા જ જોઈએ, તો ચાલો જાણી લઈએ કે કઈ રીતે બને છે દૂધીનાં સ્વાદિષ્ટ પરોઠા.

Lauki recipes

દુધીના પરોઠા માટે જોઈશે આ જરૂરી સામગ્રી :

દૂધીનાં પરોઠાની રેસીપી

1 મીડીયમ સાઈઝની દુધી

250 ગ્રામ ઘઉંનો લોટ

1 નાની ચમચી લસણની પેસ્ટ

1 નાની ચમચી ધાણાજીરું

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી લાલ મરચું

સ્વાદ અનુસાર મીઠું

જરૂરિયાત મુજબ તેલ

Lauki recipes

કેવી રીતે બનાવશો દૂધીનાં પરોઠા :

સૌથી પહેલા તો દુધીને બરાબર ધોઈને સાફ કરી લો, એ પછી દૂધીને છીણી નાખો. તમને જણાવી દઈએ કે દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે એટલે દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટે છે. પણ આ પાણીને તમારે ફેંકી નથી દેવાનું, એને અલગ વાસણમાં ભેગું કરો

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને  2 ચમચી તેલ  નાખી લો. હવે આ લોટને બાંધવા માટે પાણીનો ઉપયોગ કરવાનો બદલે દૂધી માંથી છુટેલા પાણીનો ઉપયોગ કરો.

લોટ બરાબર બંધાઈ જાય એ પછી આ લોટને થોડીવાર સેટ થવા માટે સાઈડમાં મૂકી દો.

હવે દુધીનું સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં છીણેલી દુધી લઈ લો, હવે તેમાં હળદર , ગરમ મસાલો, ધાણાજીરું અને લાલ મરચું  ને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો.

જો તમે ઈચ્છો તો તમે દૂધીને બાફીને પણ ઉપયોગમાં લઇ શકો છો. આ ઉપરાંત તમે દૂધી સાથે બાફેલા બટાકા તેમજ પનીર પણ ઉમેરી શકો છો. આવું કરવાથી દૂધીનાં પરોઠા વધુ સ્વાદિષ્ટ બનશે.ત

દૂધીનું સ્ટફિંગ તૈયાર થઇ જાય એ પછી બાંધીને સેટ કરવા મુકેલ લોટમાંથી  નાના નાના લુવા બનાવો, અને આ બધા લુવામાં દુધીનું સ્ટફિંગ ભરી લો.

Lauki recipes

ત્યારબાદ તેને અન્ય પરોઠાની જેમ જ સારી રીતે વણી લો, આ પરોઠાને થોડા ભર્યા જ વણવાના છે એ ધ્યાન રાખો અને ત્યારબાદ આ પરોઠાને તવી પર તેલ મૂકીને બન્ને બાજી સારી રીતે શેકી લો. તો તૈયાર છે તમારા ગરમાગરમ દુધીના પરોઠા.

આ દૂધીનાં પરોઠાને તમે ચટણી, દહીં કે અથાણાં સાથે સર્વ કરી શકો છો. સ્વાદની દ્રષ્ટિએ તો આ પરોઠા લાજવાબ લાગશે જ ને સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી સાબિત થશે.

તો હવે જરાય વિચાર્યા વગર બનાવી જુઓ આ સ્વાદિષ્ટ દૂધીનાં પરોઠા અને ત્યારબાદ તમને એ દૂધીનાં પરોઠા કેવા લાગ્યા એ અંગેનો અમને ચોક્કસથી અભિપ્રાય આપજો. આશા છે

આજની રેસિપી તમને ઉપયોગી સાબિત થશે…

Leave a Comment